મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં

0

એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 


કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી કિંજરાપુ રામમોહન નાયડૂ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલ પણ આ બેઠકમાં જોડાયા હતા.  


કેન્દ્રીય ગૃમંત્રીશ્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. 


આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને દુઃખદ ગણાવીને કેન્દ્રીય મંત્રી શ્રી શાહે પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, મૃતક અને પરિવારજનોના DNA સેમ્પલ કલેક્શન, મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે. 


મૃતકોની ઓળખ થઈ શકે તે માટે DNA મેચ કરવાની કામગીરીને વધુ સુદ્રઢ અને બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે શ્રી અમિતભાઈ શાહે સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ આપ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)